Site icon Revoi.in

ગુજરાતમાં કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 4300થી વધારે દર્દીના મોતઃ 53 ટકા દર્દીઓ 60થી વધુ ઉંમરના

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ હવે ધીમે-ધીમે ઘટી રહ્યું છે. જો કે, આ મહામારીમાં અત્યાર સુધીમાં 4300થી વધારે દર્દીઓના મોત થયાં છે. જે પૈકી 70 ટકા દર્દીઓ પુરુષ હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલા એનાલિસીસ રિપોર્ટમાં ખુલાસો થયો છે. રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓ પૈકી 53 ટકા દર્દીઓની ઉંમર 60થી 79 વર્ષની વચ્ચે હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ સતત ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોરોના મહામારીને લઈને આરોગ્ય વિભાગ દ્વારા એનાલિસીસ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 4300થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. આ બીમારીમાં સૌથી વધારે પુરુષોના મોત થયાં છે. એક અંદાજ પ્રમાણે 70 ટકા પુરુષો અને 30 ટકા મહિલાઓના કોરોનાને કારણે મોત થયાં છે. રાજ્યમાં 60થી વધારે ઉંમરના 53 ટકા જેટલા દર્દીઓના કોરોનામાં મોત થયાં છે. આવી જ રીતે 45થી 59 વર્ષની ઉંમરવાળા 30.5 ટકા દર્દીઓના મોત થયાં છે. પુરુષો કામ-ધંધા માટે બહાર જતા હોવાથી તેઓને કોરોનાનું સંક્રમણ લાગવાનો વધારે ભય હોવાનું મનાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હવે ધીમે-ધીમે ઘટી રહ્યું હોવાથી જનજીવન પાટે ચડી રહ્યું છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6.50 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.