કોરોના મહામારીઃ ગુજરાતમાં જજો અને કોર્ટ સ્ટાફને સારવારમાં અપાશે પ્રાથમિકતા
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને તબીબોની અછત હોવાનું સામે આવ્યું છે. દરમિયાન દરેક જીલ્લાના જજો, કોર્ટ સ્ટાફ-અધીકારીઓ, કર્મચારીઓ, લિગ ઓફીસરોને કોરોના સારવારમાં પ્રાથમિકતા આપવાનો રાજયના આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. તેમજ આ અંગે આરોગ્ય વિભાગના ચીફ પર્સનલ ઓફીસરે કાયદા વિભાગના સચિવને પત્ર લખીને જાણ કરી છે.
પત્રમાં જણાવ્યા અનુસાર કોર્ટના જજ, કર્મચારીઓ, અધીકારીઓને કોરોનાની અગ્રિમતાના ધોરણે સારવાર મળી રહે તે માટે દરેક જીલ્લાના ચીફ મેડીકલ ઓફીસરને જીલ્લા પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ સાથે સંકલનમાં રહીને વ્યવસ્થા કરવામાં આવશે જે મુજબ રાજકોટ જીલ્લામાં જનરલ હોસ્પિટલના ડો. કે.જે. પીપળિયાને નિયત કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. કોર્ટ કર્મચારીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી તેમને ઝડપી સારવાર મળી રહે તે માટે આ નિર્દેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવી રહ્યાં છે.