કોરોના મહામારીમાં ટ્રેનના AC કોચમાં પ્રવાસ કરનારા મુસાફરોની સંખ્યા ઘટીઃ રેલવે મંત્રી
દિલ્હીઃ કોરોના મહામારીને પગલે વર્ષ 2020-21 દરમિયાન ટ્રેનોમાં એસી કોચમાં 70 ટકા મુસાફરો ઓછા થયા હતા. તેમ રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદમાં કહ્યું હતું. આ સાથે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે રેલવે ટિકિટ પર બંધ કરાયેલી છૂટ હાલમાં શરૂ કરી શકાય નહીં.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, “2019-20માં એસી કોચમાં મુસાફરી કરતા પ્રવાસીઓમાં 4 ટકાનો વધારો થયો હતો. જ્યારે ગયા વર્ષની સરખામણીમાં 2020-21માં તેમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો હતો. “2019-20 અને 2020-21 દરમિયાન અનુક્રમે 18.1 કરોડ અને 4.9 કરોડ લોકોએ એસી કોચમાં મુસાફરી કરી હતી.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ ઘટાડો કોરોના રોગચાળાને કારણે આવ્યો છે, જેમાં મર્યાદિત સંખ્યામાં ટ્રેનો ચલાવવામાં આવી રહી હતી અને લોકો પણ જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી મુસાફરી કરવાનું ટાળતા હતા. રેલવે દ્વારા માર્ચ 2020માં તમામ નિયમિત ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
અન્ય એક પ્રશ્નના જવાબમાં રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે, કોરોના મહામારીના સમયથી રેલ્વે ટિકિટ પર બંધ કરાયેલી છૂટને શરૂ કરવી શક્ય નથી. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કહ્યું છે કે તેમને આ સુવિધા પુનઃસ્થાપિત કરવા માટે અરજીઓ મળી છે. રોગચાળા અને કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, મુસાફરોની તમામ શ્રેણીઓ માટે તમામ છૂટછાટો 20.03.2020 થી સ્થગિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં ટ્રેન વ્યવહાર બંધ કરાયો હતો. જો કે, શ્રમજીવીઓ માટે ખાસ ટ્રેન દોડાવવામાં આવી હતી. તેમજ હજારો શ્રમજીવીઓને આ ટ્રેનો મારફતે વતન પહોંચાડવામાં આવ્યાં હતા.