કોરોના મહામારીઃ સુરતની એક સ્કૂલની બે વિદ્યાર્થીઓ થયાં સંક્રમિત, હાલ શાળા બંધ કરાઈ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સ્કૂલમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરતના ઉઘના વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપા તંત્ર દોડતું થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં કોરોનાના કેસ ઘટતા સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ વિદ્યાર્થીઓ સંક્રમિત ના થાય તે માટે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી શાળામાં બે વિધાર્થીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શાળા સાત દીવસ માટે બંધ કરાવવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ બંને વિદ્યાર્થીઓ ધો-9માં અભ્યાસ કરે છે. રેપિડ ટેસ્ટ દરમિયાન વિધાર્થી પોઝિટિવ આવ્યાં હતા. પાલિકા દ્વારા તકેદારીના ભાગરૂપે શાળા બંધ કરવામાં આવી છે અને બંને વિધાર્થીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓની પણ તપાસ કરવામાં આવી હતી.