કોરોના મહામારીઃ જામનગર અને દાહોદના બે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન
અમદાવાદઃ ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં સ્વૈચ્છીક આંશિક લોકડાઉન અને સ્વંયભૂ બંધ પાડવામાં આવી રહ્યો છે. જામનગરના મોટી બાણુગાર ગામમાં એક સપ્તાહમાં 25 પોઝિટિવ કેસ સામે આવતા ગ્રામજનોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. આવી જ રીતે દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના મોટી બાણુગાર ગામમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. એક જ અઠવાડિયામાં 25 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા તંત્ર હરકતમાં આવ્યું છે. દરમિયાન ગ્રામજનો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે રાતથી 11 એપ્રિલ સુધી લોકડાઉન પાળવામાં આવશે. દૂધની ડેરી સવારે માત્ર 2 કલાક જ ખુલ્લી રહેશે. આ ઉપરાંત લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ગામના આગેવાનોએ સરકારીની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા ગ્રામજનોને અપીલ કરી છે. દાહોદ જિલ્લામાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે. આજથી 6 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન અપાયું છે. સવારના 10 વાગ્યા સુધી જ ધંધા રોજગાર ચાલુ રહેશે અને નિયમનો અનાદર કરનાર વેપારીને 1000નો દંડ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા તંત્ર દ્વારા સંક્રમણ અટકાવવા પગલા લેવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં કોવિડ બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.