દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સમગ્ર દેશમાં હાલ સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશન આપવામાં નથી આવતું. વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. બાળકો મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટરમાં સતત જોતા હોવાથી તેમની આંખોની રોશનીને અસર પડે છે. તેમજ આંખો સુકાવાની ફરિયાદો વધતા તબીબો પણ ચિંતામાં મુકાયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સતત લેપટોપ કે મોબાઈલ પર ભણતરથી ગત વર્ષે સંક્રમણ કાળમાં બાળકોની આંખો સુકાવાનો સમય 6 કલાક રહેતો હતો જે હવે ઘટીને ત્રણ કલાક જ રહી ગયો છે. કોરોનાની બીજી લહેર દરમિયાન બાળકોમાં ડીજીટલ આઈ સ્ટ્રેન બીમારીનો ખતરો ત્રણ ગણો વધી ગયો હોવાનું જાણવા મળે છે. જીએસવીએમ મેડીકલ કોલેજના આંખ વિભાગ દ્વારા બાળકોની આંખોની સમસ્યાને લઈને એક રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ટેસ્ટ બાદ 192 બાળકો અને કિશોરોમાં ધુંધળુ વિઝન બહાર આવ્યા બાદ ડોકટરોએ તેને ખતરાની ઘંટડી માન્યુ છે. લાંબા સમય સુધી કોમ્પ્યુટર, ટેબલેટ, ઈ-રિડર, અને સ્માર્ટ ફોનના ઉપયોગથી આંખોમાં ભીનાશ ખતમ થાય છે.પ્રારંભિક લક્ષણોમાં આંખોમાં તણાવથી દુ:ખાવો અને વારંવાર ધુંધળાપણાની તકલીફ થાય છે. ત્યારબાદ માથામાં દુ:ખાવો, આંખો સૂકાવી, વારંવાર પાણી નિકળવુ, ગર્દન, પીઠ અને ખભામાં દર્દની સમસ્યા સર્જાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢેક વર્ષથી બાળકો સ્કૂલે ગયા નથી. બાળકોનો અભ્યાસ ના બગડે તે માટે તેમને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. તેમજ નિયમિત પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવે છે.