Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાનો ભરડોઃ 43 હજાર જેટલા એક્ટિવ કેસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ 20 હજાર જેટલા કેસ સામે આવે છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદમાં આવ્યાં છે. દરરોજ સરેરાશ 7 હજાર જેટલા કેસ છેલ્લા કેટલાક દિવસોથી આવી રહ્યાં છે. હાલ રાજ્યમાં લગભગ 45 હજાર જેટલા એક્ટિવ કેસ હોવાનું જાણવા મળે છે.

અમદાવાદ શહેરમાં સૌથી વધારે એક્ટિવ કેસ પશ્ચિમ વિસ્તારમાં 30 હજાર જેટલા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. અમદાવાદ શહેરના જોધપુર, બોડકદેવ, નવરંગપુરા, પાલડી, વાસણા અને થલતેજ વોર્ડમાં સૌથી વધુ કેસ છે. બીજી તરફ બે દિવસમાં હોસ્પિટલમાં કોરોનાના 100થી વધારે દર્દીઓ દાખલ થયા છે. અમદાવાદ શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં 550 દર્દીઓ દાખલ છે. જેમાંથી 50 દર્દીઓ વેન્ટિલેટર પર છે. શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો થઇ રહ્યો છે. અમદાવાદના વધુ નવા 27 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા છે. જેની સાથે જ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 165 પર પહોંચી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા મનપાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મનપા દ્વારા ટેસ્ટીંગ વધારવાની સાથે વિવિધ વિસ્તારમાં સંજીવની રથ અને ધનવંતરી રથ દોડાવવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત લોકોને કોરોનાની ગાઈડલાઈનના પાલન માટે વિવિધ માધ્યમો મારફતે અપીલ કરવામાં આવી રહી છે.