- યુપીમાં વધી રહ્યા છે કોરોનાના કેસ
- યોગી સરકારે લીધો મોટો નિર્ણય
- ધો.8 સુધીની તમામ શાળાઓ બંધ
- 24 થી 31 માર્ચ સુધી રહેશે બંધ
કાનપુર: યુપીમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે,જે રાજ્ય માટે સતત ખતરો છે. પંચાયતની ચૂંટણીઓ,હોળીનો તહેવાર અને કોરોનાના વધતા જતા કેસો જોતા યોગી સરકાર સંપૂર્ણ સજાગ છે. યુપી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં ઘોરણ 8 સુધીની તમામ શાળાઓને 24 થી 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે.
મુખ્યમંત્રીની ઘોષણા મુજબ,કોરોના વાયરસના વધતા જતા કેસને જોતા ઉત્તર પ્રદેશ સરકારે શાળાઓ 31 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લીધો છે. 24 મી માર્ચથી 31 માર્ચ સુધી 8 માં ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવામાં આવી છે. આ સિવાય તે તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં પરીક્ષાઓ ચાલતી નથી. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોનાની સ્થિતિનું મૂલ્યાંકન કરવા બોલાવેલી બેઠક બાદ મોડી રાત્રે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ કોરોનાના વધતા જતા કેસો પર પણ ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ તેમણે સંક્રમણ અટકાવવા માટે અસરકારક પગલા ભરવાના નિર્દેશ પણ આપ્યા છે. સીએમ યોગી કોરોનાના વધતા જતા કેસો અંગે ખૂબ ગંભીર છે. સોમવારે સીએમ નિવાસમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી,જેથી કોરોના સંક્રમણના ફેલાવાને કેવી રીતે રોકી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં લીધેલા નિર્ણય મુજબ શહેરોમાં દરેક ગ્રામ પંચાયત કક્ષાએ અને વોર્ડ કક્ષાએ નોડલ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આ અધિકારીઓ આ ક્ષેત્રની મુલાકાત લેનારાઓની કોરોના પરીક્ષણ પર વિશેષ ધ્યાન આપશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે,જો કોઈ શંકાસ્પદ હોવાનું જણાયું છે,તો તેને ક્વોરેનટાઈન કરે અને તેની આરટીપીઆરસી ટેસ્ટ કરાવે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ સાથે દરેકને કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી બનશે. મુખ્યમંત્રીએ દરેક જિલ્લામાં કોરોના હોસ્પિટલ ગોઠવવાની સૂચના પણ આપી છે.
સોમવારે સાંજે છેલ્લા 24 કલાકમાં યુપીમાં 542 કેસ નોંધાયા હતા, જેમાંથી 142 કેસ ફક્ત લખનઉમાં નોંધાયા હતા. છેલ્લા ત્રણ દિવસથી લખનઉમાં 100 થી વધુ કેસ નોંધાયા છે.
-દેવાંશી