ભારતમાં વિદેશી પર્યટકો માટે કોરોના સ્વાસ્થ્ય વીમો ફરજિયાત કરાશે
દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના નવા સ્વરૂપના કેસ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. દરમિયાન વિદેશોની જેમ હવે ભારતમાં આવનારા વિદેશી પર્યટકો માટે પણ કોરોના સ્વાસ્થ્ય વીમા ફરજિયાત કરવાની વિચારણા ચાલી રહી છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલય કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ યોજનાના અમલીકરણની તૈયારીઓ કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં વર્ષ 2019માં એક કરોડથી વધારે વિદેશી પ્રવાસીઓ આવ્યાં હતા. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને દુનિયાના વિવિધ દેશોમાં ભરડો લીધો હોવાથી વિદેશી પર્યટકો ખુબ જ ઓછા આવ્યાં છે. કોરોના મહામારી વચ્ચે હાલના સમયમાં કોરોના સ્વાસ્થય વીમો જરૂરી હોવાનું કેન્દ્રીય પર્યટન મંત્રાલય માની રહ્યું છે. જેથી કોરોના સ્વાસ્થ્ય વીમાના કારણે વિદેશી પર્યટકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. પર્યટન મંત્રાલય આ અંગે ટુર ઓપરેટર અને બીજી સંસ્થાઓ સાથે ચર્ચા પણ કરી રહયું છે. બીજી તરફ કોરોના સ્વાસ્થ્ય વીમો ફરજિયાત કરવાને બદલે તેને તબકકાવાર લાગુ પાડવો જોઇએ. તેવુ ટુર ઓપરેટકો માની રહ્યાં છે. જેથી પર્યટકોને કોઇ પરેશાની ન પડે. અનેક વીમા કંપનીઓએ વિદેશથી આવતા પર્યટકો માટે કોરોના સ્વાસ્થ્ય વીમો પણ લોન્ચ કરી દીધો છે. અન્ય દેશોની ઉડાન ભરતી એર લાઇન્સ સાથે આ વીમા કંપનીઓએ સમજુતી પણ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોકમાં ભારત સરકાર દ્વારા વિદેશ સાથેની હવાઈ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે, બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળી આવતા ભારત સરકાર દ્વારા બ્રિટન જતી અને આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.