Site icon Revoi.in

કોરોનાની અસરઃ અમદાવાદ એરપોર્ટ ઉપર ડોમેસ્ટિક મુસાફરોમાં થયો ઘટાડો

Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને કારણે લોકોના વેપાર-ધંધાને વ્યાપક અસર થઈ છે. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટડા હવે જનજીવન ફરીથી ધબકવા લાગ્યું છે. જો કે, ફ્લાઈટમાં મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા હજુ પણ વધી નથી. અમદાવાદના એરપોર્ટ પર ગત ડિસેમ્બર દરમિયાન 4.53 લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. જેમાં 2019ના ડિસેમ્બર કરતાં 46.30 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જાણવા મળે છે. બીજી તરફ છેલ્લા ત્રણ મહિનામાં વિદેશ અવર જવર કરનારા 58 હજાર કરતાં વધુ મુસાફરોની અમદાવાદ એરપોર્ટ પર અવર જવર નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એરપોર્ટમાં ડિસેમ્બર-2019માં 8.44 લાખ અને 6487 ફ્લાઈટની અવરજવર નોંધાઈ હતી. ગત વર્ષે પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ 130 મુસાફરોનું આવાગમન હતું. જેની સરખામણીએ ડિસેમ્બર 2020માં 4945 ફ્લાઇટની અને 4 લાખ 53 હજાર 762 ફ્લાઈટની અવરજવર થઈ હતી. ગત મહિને પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ 92 મુસાફરો હતા. કોરોનાને પગલે માર્ચ-2020ના ત્રીજા સપ્તાહથી નિયમિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ બંધ છે.

કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે સ્થિતિ પૂર્વવત્ થઇ રહી છે. કેટલીક એરલાઇન્સ દ્વારા આવતા મહિને અમદાવાદથી નવી ફ્લાઇટ પણ શરૃ કરવામાં આવશે. જેમાં શિરડી-ઔરંગાબાદ-નાગપુર-ભોપાલ જેવા રૃટનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ ખાતે છેલ્લા 3 મહિનામાં સ્પેશિયલ ઇન્ટરનેશનલ ફ્લાઇટ દ્વારા કુલ 58192 મુસાફરોની અવર-જવર નોંધાઇ છે. જેમાં ઓક્ટોબરમાં 226 ફ્લાઇટમાં 15856 મુસાફરો- નવેમ્બરમાં 253 ફ્લાઇટમાં 17763 મુસાફરો જ્યારે ડિસેમ્બરમાં 307 ફ્લાઇટમાં 24573 મુસાફરોની વિદેશ માટે અમદાવાદથી અવર-જવર નોંધાઇ હતી. આમ, અમદાવાદથી વિદેશ જનારા મુસાફરોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.