ચીનમાં કોરોના: શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત,લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું
- ચીનમાં કોરોનાનો કહેર યથાવત
- શાંઘાઈમાં સંક્રમણથી વધુ 11ના મોત
- લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવાયું
દિલ્હી:ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે શાંઘાઈમાં છેલ્લા એક દિવસમાં કોવિડ-19ના કારણે વધુ 11 દર્દીઓના મોત થયા છે,જે બાદ લોકોમાં આક્રોશ વધી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે શહેરમાં લોકડાઉન 26 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું છે.2.6 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈમાં કોરોનાની વર્તમાન લહેર દરમિયાન મૃત્યુઆંક વધીને 36 થઈ ગયો છે.
શુક્રવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, શહેરમાં છેલ્લા 24 કલાકમાં ચેપના 17,629 નવા કેસ નોંધાયા છે, જે એક દિવસ અગાઉ નોંધાયેલા કેસો કરતાં 4.7 ટકા ઓછા છે.1 માર્ચથી શહેરમાં સંક્રમણના કુલ કેસોની સંખ્યા વધીને 4,43,500 થઈ ગઈ છે.
એક સમાચાર મુજબ, દેશભરની હોસ્પિટલોમાં કોવિડ-19ના 30,813 દર્દીઓની સારવાર થઈ રહી છે.સત્તાવાર આંકડાઓ અનુસાર શાંઘાઈમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. શહેરમાં સતત ચોથા સપ્તાહે લોકડાઉન જારી છે.