દિલ્હીઃ છત્તીસગઢના અંબિકાપુર જિલ્લામાં કોરોના સંક્રમિત ડોક્ટર ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરતા હોવાની ઘટના સામે આવી છે. અંબિકાપુરમાં મહિલા ડેન્ટિસ્ટ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ પ્રાઈવેટ ક્લિનિક ખોલીને દર્દીઓની સારવાર કરી રહી હતી. મહિલા તબીબે તેને સમજાવવા આવેલી ટીમ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. ફરિયાદ મળતાં સુરગુજા કલેક્ટરે વહીવટી સ્ટાફ મોકલીને મહિલા ડોક્ટરનું ક્લિનિક સીલ કરી દીધું છે અને મહિલા ડોક્ટર સામે ગુનો નોંધવાની તૈયારી ચાલી રહી છે.
શિવધારી કોલોનીમાં રહેતા 28 વર્ષીય દાંતના ડોકટર ગુદરી ચોકમાં ટૂથ ફેરી નામથી ક્લિનિક ચલાવે છે. તાજેતરમાં મહિલા ડેન્ટિસ્ટની તબિયત બગડતાં ડેન્ટિસ્ટે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. દરમિયાન તેમનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પણ હોમ આઇસોલેશનમાં રહેવાને બદલે આ ડૉક્ટર ક્લિનિક પર પહોંચ્યા અને ત્યાંના દર્દીઓની સારવાર કરતા હતા. માહિતી મળતા સ્થાનિક લોકોએ આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરી હતી. આ બનાવને પગલે આરોગ્ય વિભાગના અધિકારીઓએ ડૉક્ટરનો સંપર્ક કર્યો અને તેને હોમ આઈસોલેશનના નિયમોનું પાલન કરવાનું કહ્યું, ત્યારે ડેન્ટિસ્ટે તેની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું હતું. આ પછી આરોગ્ય અધિકારીઓએ આ અંગે વહીવટી અધિકારીઓને જાણ કરી હતી. માહિતી મળતાં કલેક્ટર સંજીવ કુમાર ઝાએ નાયબ તહસીલદાર કિશોર કુમાર વર્માની ટીમને ઘટનાસ્થળે મોકલી હતી. ટીમે ડોક્ટરનું ક્લિનિક સીલ કરી દીધું છે. હવે તબીબ સામે રોગચાળાના કાયદા હેઠળ ગુનો નોંધવાની પણ તૈયારી ચાલી રહી છે.