કોરોનાને પગલે પાકિસ્તાન સહિત એશિયાના દેશોમાં ભૂખમરાની સ્થિતિઃ એક અભ્યાસમાં થયો ખુલાસો
દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો કોરોના મહામારી સામે લડાઈ લડી રહ્યાં છે. બીજી તરફ અનેક લોકોએ રોજગારી ગુમાવી છે તેમજ વેપાર-ધંધાને પણ વ્યાપક અસર થઈ છે અને લોકો ગરિબીમાં ધકેલાઈ રહ્યાં છે. દરમિયાન એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના એશિયાના દેશો ભારે ભુખમરાનો સામનો કરી રહ્યાં છે. એટલું જ નહીં દુનિયાની લગભગ 10 ટકા વસતી આરોગ્યપ્રદ ભોજનથી વંચિત થઈ છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે કહ્યુ હતુ કે, વર્ષ 2020માં ગ્લોબલ ફૂડ ઇનસિક્યોરિટી 15 વર્ષની ઉંચાઇએ પહોંચી ગઇ હતી. મહામારીને કારણે આવક પ્રભાવિત થવાથી દુનિયાની 10 ટકા વસ્તીને યોગ્ય ભોજન મળતું નથી. એટલું જ નહીં ચાલુ વર્ષે પરિસ્થિતિ વધારે વિકટ થવાની શકયતા છે. કૃષિ પેદાશો મોંઘી થવાથી અને સપ્લાય ચેઇનમાં અવરોધો સર્જાવાના લીધે ખાણી પીણીની ચીજોની કિંમતો એક દાયકાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગઇ છે. જેથી ગરીબ દેશોએ ખાણી પીણીની ચીજોના મામલે આયાત પર નિર્ભર છે.
એક અભ્યાસ મુજબ એશિયા અને આફ્રિકાના ગરીબ અને મિડલ ઇન્કમ દેશોમાં ભૂખમરો વધવાથી રાજકીય અસ્થિરતાનો ખતરો સર્જાયો છે. અમેરિકા પાસે મદદ લેનારા 76 દેશોમાંથી 1.2 અબજ લોકોને ચાલુ વર્ષે ખાવાના ફાફા પડી શકે છે. બાંગ્લાદેશ, ભારત, ઇન્ડોનેશિયા અને પાકિસ્તાનમાં આવા લોકોની સંખ્યા બહુ ઝડપથી વધશે જેમની પાસે ભોજન માટે પુરતો ખોરાક કે નાણાં નથી. યમન, ઝિમ્બાવવે અને કાંગો જેવા દેશમાં 80 ટકાથી વધારે વસ્તી પાસે ખાવા માટે પુરતુ ભોજન નથી.
(Photo-File)