Site icon Revoi.in

કોરોના કહેરઃ અમદાવાદમાં ટેસ્ટીંગમાં વધારો કરાયો, 12 હજારથી વધારે ટેસ્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેથી મનપા તંત્ર સફાળુ જાગ્યું છે. તેમજ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં હોવાનું જાણવા મળે છે. શહેરમાં ટેસ્ટીંગમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરરોજ હાલ સરેરાશ 12 હજારથી વધારે ટેસ્ટીંગ કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં બે દિવસના સમયગાળામાં જ 2500થી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. શહેરના વિવિધ વિસ્તારમાં કોરોના ટેસ્ટીંગ માટે 50 ડોમ ઉભા કરાયાં છે. પહેલા 6 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવતા હતા. જેમાં વધારો કરીને 12 હજારથી વધારે ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના સૌથી વધારે કેસ સામે આવી રહ્યાં છે. જેથી થલતેજ, બોડકદેવ અને નવરંગપુરા સહિતના વિસ્તારોમાં મનપા દ્વારા કોરોનાની ગાઈડલાઈનના પાલન અંગે તપાસ શરૂ કરવામાં આવ્યું છે. તેમજ ગાઈડલાઈનનું પાલન નહીં કરનારાઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ મનપા દ્વારા હોસ્પિટલમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. શહેરની લગભગ 50 જેટલી ખાનગી હોસ્પિટલમાં પણ 4 હજાર જેટલા બેડ ઉભા કરાયાં છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં કોરોના લક્ષણો હળવા હોવાથી મનપા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ શહેરમાં માઈક્રોકન્ટેટમેન્ટ ઝોનમાં વધારો થઈને આ આંકડો 100ને પાર થયો છે.