કોરોના હારશેઃ રિક્ષા ચાલકે કોરોના પીડિતોની મદદ માટે ઓટોને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી
ભોપાલઃ ભારતમાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે અને મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની વસ્તુઓની અછત ઉભી થઈ છે. આવા કપરા સમયમાં લોકો નાત-જાત અને ઉંચ-નીચના ભેદભાવ ભૂલીને પીડિતો અને તેમના પરિવારજનોની સેવાની કામગીરી કરી રહ્યાં છે. મધ્યપ્રદેશના ભોપાલમાં એક રિક્ષા ચાલકે દર્દીઓને હોસ્પિટલ લઈ જવા માટે પોતાની રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી છે. તેમજ અન્ય સુવિધાઓ ઉભી કરવા માટે પોતાની પત્નીના ઘરેણા પણ વેચી નાખ્યાં છે. આમ એક સામાન્ય રિક્ષા ચાલકે પણ લોકોની સેવા માટે પોતાની તમામ પુંજી ખર્ચી નાખી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભોપાલમાં રહેતા જાવેદ નામના એક રિક્ષા ચાલકે કોરોના પીડિતોને યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે તેવા શુભ આક્ષયથી પોતાની ઓટો રિક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી નાખી છે. એટલું જ નહીં અંદર ઓક્સિજન સિલિન્ડર અને સેનિટાઈઝર સહિતની પ્રાથમિક સુવિધા પણ ઉભી કરી છે. જેથી આ ઓટો એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીને પ્રાથમિક મેડિકલ સુવિધાઓ મળી રહે. એટલું જ નહીં આ ઓટો એમ્બ્યુલન્સમાં દર્દીઓને જાવેદ વિના મૂલ્યે જઈને માનતાનો ધર્મ નિભાવી રહ્યો છે. જાવેદ પહેલા રોજના રૂ. 200થી 300 ઓટો રિક્ષા ચલાવીને કમાતો હતો. જો કે, હવે એમ્બ્યુલન્સ તરીકે ફેરવતો હોવાથી ઓક્સિજન અને સેનેટાઈઝર સહિતની પ્રાથમિક મેડિકલના સાધનો માટે તેણે પત્નીના દાગીના પણ વેચી નાખ્યાં છે. જાવેદ જે લોકોને એમ્બ્યુલન્સ નથી મળતી તેવા ગરીબોને પોતાની રીક્ષામાં હોસ્પિટલ લઈ જાય છે.
રિક્ષા ચાલક જાવેદે કહ્યુ હતુ કે, હાલની મહામારીમાં લોકોની મદદ કરવી જ સૌથી મોટી માનવતાનુ કામ છે અને આ માટે જે પણ કરવુ પડે તે કરવા માટે હું તૈયાર છું.