Site icon Revoi.in

IIM અમદાવાદમાં કોરોના વકર્યોઃ અત્યાર સુધીમાં વિદ્યાર્થી સહિત 70 વ્યક્તિ થયા સંક્રમિત

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અમદાવાદમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા આઈઆઈએમ (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ)માં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. 24 કલાકમાં આઈઆઈએમમાં વધારે 10 પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. અહીં અત્યાર સુધીમાં કોરોના વાયરસના લગભગ 70 જેટલા પોઝિટિવ કેસ નોંધાયાં હોવાનું જાણવા મળે છે.

હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે, અમદાવાદ IIMમાં 29 માર્ચની રાત સુધીમાં કેસનો આંકડો 70એ પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં IIMમાં 70 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. અમદાવાદમાં મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ IIMમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. IIM કેમ્પસમાં હોળી તહેવારના દિવસે કુલ 108 લોકોના RTPCR ટેસ્ટ થયા હતા. જેમાં 5થી વધુ વિદ્યાર્થીઓ સહિત કુલ 8 લોકો પોઝિટિવ આવ્યા છે. IIMAમાં 27 માર્ચે પણ 109 લોકોના RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 8 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આઈઆઈએમ અમદાવાદમાં 24 કલાકમાં કોરોનાના 10 પોઝિટિવ કેસ નોંધાયાં હોવાનું જાણવા મળે છે.

IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમિયાન લગાવવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કમ્યુનિટી મેમ્બરો, જેમનામાં કોરોનાના લક્ષણો જણાતા હતાં, તેમના ટેસ્ટ કરવામાં આવતા હતા. હાલ આઈઆઈએમ સંકુલમાં લગભગ 43 વિદ્યાર્થી ક્વોરન્ટીન હોવાનું જાણવા મળે છે.