દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં લગભગ 90 હજાર કેસ નોંધાયા
- સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર
- 24 કલાકમાં લગભગ 90 હજાર કેસ
- 6 મહિનામાં આ સૌથી વધુ કેસ
દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના બેકાબૂ બનતો જાય છે.દિનપ્રતિદિન આવતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અને દરરોજ સંક્રમણના નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. ફરી એકવાર દેશભરમાંથી સામે આવેલા કોરોનાના નવા કેસોના આંકડાથી લોકોની ચિંતા વધી ગઈ છે.
ભારતના એક ડઝનથી વધુ રાજ્યો કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યા છે, જેના માટે લોકોને સાવચેતી રાખવા સતત અપીલ કરવામાં આવી રહી છે. શુક્રવારે, સમગ્ર દેશમાં કોરોના સંક્રમણના 89,030 નવા કેસ નોંધાયા છે, જે 19 સપ્ટેમ્બર, 2020 પછીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે દેશભરમાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 1,23,91,140 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 713 દર્દીઓના મોત નિપજ્યા છે. અને દેશમાં કોરોનાથી મૃત્યુની સંખ્યા વધીને 164,162 થઇ ગઈ છે. શુક્રવારે નોંધાયેલા નવા કેસો ખાસ કરીને ચિંતાજનક છે. કારણ કે દેશમાં કોરોનાની પહેલી લહેરની ટોચ 16 સપ્ટેમ્બરના રોજ હતી, જ્યારે સંક્રમણના 97,860 નવા કેસ નોંધાયા હતા. શુક્રવારે ભારતમાં સાત દિવસ દરમિયાન નોંધાયેલા પોઝિટિવ કેસની સંખ્યા 68,969 પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે 13 ઓક્ટોબર પછીની સૌથી વધુ છે.
દેવાંશી