અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં કોરેટ ગતિએ વધારો થયો છે. જેમાં સૌથી વધારે પોઝિટિવ કેસ માત્ર અમદાવાદમાં સામે આવ્યાં છે. જેથી આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે અને સંક્રમણ વધારે ફેલતુ અટકાવવાની દિશામાં કવાયતને વધારે તેજ બનાવી છે. શહેરમાં ચાલ દિવસમાં કોરોનાનું સંક્રમણ ચાર ગણુ વધ્યું છે. બીજી તરફ શહેરમાં મનપા દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરી તૈયારીઓ કરી લીધી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદમાં તા. 31મી જાન્યઆરીના રોજ 311 કેસ નોંધાયાં હતા. જેમાં વધારો થઈને 1લી જાન્યુઆરીએ 559 કેસ નોંધાયાં હતા. જો કે, 2 જાન્યુઆરીના રોજ પોઝિટિવ કેસ ઘડીને 436 નોંધાયાં હતા. જો કે, 4થી જાન્યુઆરીના રોજ 1290 કેસ સામે આવ્યાં હતા. આમ પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. કોરોનામાં ચિંતાજનક રીતે વધારો થતા અમદાવાદ શહેરમાં મનપા દ્વારા ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારમાં ડોમ ઉભા કરવામાં આવ્યાં છે. એટલું જ નહીં ધનવંતરી રથ પણ દોડતા કરવામાં આવ્યાં છે.
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. શહેરની વિવિધ હોસ્પિટલમાં કોવિડ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઓક્સિજનની અછત ઉભી ના થાય તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જરૂરી દવાઓ અને જરૂરિ ઈન્જેકશનનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે.