રાજ્યમાં કોરોનાનો અજગર ફુંફાડા મારી રહ્યો છે, ત્યાં જ સરહદી ગામોમાં ટાઈફોડનો વાવર
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. સરકારની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે તેવી છે. રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી હાલતનું નિર્માણ થયું છે. કોરોનાકાળમાં આફત પર આફત આવી રહી છે. મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લઈ રહી. એક કોરોના ઓછો હતો, ત્યાં ગુજરાત પર બીજી બીમારીનું સંકટ આવીને ઉભુ રહ્યું છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર અડીને આવેલા ગામડાઓમાં નવી બીમારીએ દસ્તક દીધી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતી સીમાને લાગેલા 10 થી 12 ગામડાઓમાં ટાઈફોઈડે ઉથલો માર્યો છે. અનેક લોકો આ બીમારીમાં ઝપેટમાં આવ્યા છે. કોરોનાની વચ્ચે આ બીમારીની એન્ટ્રીએ લોકોને પરેશાન કરી દીધા છે. સ્થાનિક લોકો બહુ જ ડરેલા છે.
મહારાષ્ટ્રના નંદુરબારથી 15 કિલોમીટર દૂર શિવપુર ગામ આવેલું છે. ગામમાં એન્ટ્રી લેતા જ રિક્ષા, જીપ અને કારનો જમાવડો જોવા મળી રહ્યો છે. આગળ વધવા પર દરેક જગ્યાએ દર્દીઓ નજરે આવી રહ્યાં છે. ક્યાંક ટેન્ટમાં, તો ક્યાંક વૃક્ષોની નીચે. વૃક્ષની ડાળખીઓ સાથે બોટલો લટકાવવામાં આવી છે. દર્દીઓની આસપાસ કેટલાક ડોક્ટર અને નર્સ દેખાઈ રહ્યાં છે. જોકે, આ દર્દી કોરોનાના નથી, પરંતુ ટાઈફોઈડના છે. રાજ્યના સાયલા, મોગરાની, ટાકલી, ભિલભવાની, નાસેરપુર તથા મહારાષ્ટ્રના પિપલોદ, ભવાલી, વીરપુર, લોય ગાંવમાં સતત ટાઈફોઈડના દર્દીઓ વધી રહ્યાં છે. અહીંની હોસ્પિટલોમાં કોરોનાના બેડ પણ ભરાઈ ચૂક્યા છે. આવામાં ધાનોરા જેવા પ્રાઈવેટ હેલ્થ સેન્ટરમાં પણ દર્દીઓ આવી રહ્યાં છે. તેથી હવે ટાઈફોઈડના દર્દીઓને ખુલ્લામાં અથવા ટેન્ટ બાંધીને સારવાર આપવામાં આવી રહી છે. અહી ટાઈફોઈડના લગભગ 900 થી વધુ દર્દીઓ આવી ચૂક્યા છે. શહેરના તબીબોએ પોતાના દરવાજા આ દર્દીઓ માટે બંધ કરી દીધા છે. તેથી તંબુમા હોસ્પિટલ શરૂ કરવી પડી છે.