અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી સંપન્ન થયા બાદ ફરી એકવાર કોરોના પોઝિટિવ કેસ વઘતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં ટેસ્ટીંગ કેમ્પ શરૂ કરીને કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન 3 દિવસમાં 11 જગ્યાએ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં લગભગ 200થી વધારે મકાનોનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ત્રણ દિવસમાં જ 11 જગ્યાઓ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરવાની ફરજ પડી છે. 11 જગ્યાઓનાં 200થી વધુ મકાનોને માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર હેઠળ સામેલ કરાયાં છે. ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ, પૂર્વ અને દક્ષિણ ઝોનના જુદા-જુદા વોર્ડમાં ફરી કોરોનાના કેસો નોંધાવાના શરૂ થઈ ગયા છે. કોર્પોરેશન દ્વારા કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સઘન સર્વે અને ટેસ્ટીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં કોરોનાના કેસના ટેસ્ટીંગ માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 380 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 296 લોકોએ કોરોનાને માત આપી હતી. અત્યાર સુધી કુલ 2,68,380 કેસ નોંધાઈ ચૂક્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ કોરોનાની રસીકરણનું અભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક સ્થળો પર કોરોના ગાઈડલાઈનનો ભંગ થતી હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ પડોશી રાજ્યોની સરહદ ઉપર ચેકપોસ્ટ ઉભી કરીને પ્રવાસીઓની તપાસ શરૂ કરવામાં આવી છે.