અમદાવાદમાં કોરોનાએ માથુ ઉચક્યું : બે વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે અને 24 કલાકમાં 111 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. મેગાસિટી અમદાવાદમાં ગઈકાલે 43 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થતા બે વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. શહેરનાં નોર્થ-વેસ્ટ ઝોનમાં આવેલ ચાંદલોડિયાનાં આઈસલેન્ડનાં ICB આઈલેન્ડનાં બ્લોક H નાં ટોથા માળનાં ઘર તથા વેસ્ટ ઝોનમાં આવેલા ચાંદખેડાનાં ન્યૂ સીજી રોડ પર આવેલી સોસાયટીનાં ત્રીજા માળનાં 4 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. AMC દ્વારા શહેરનાં વધતા કેસ પર ખાસ નજર રાખવામા આવી રહી છે. જે વિસ્તારમાં કોરોનાનાં કેસ વધુ આવી રહ્યા છે, તે વિસ્તારને AMC માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી રહી છે. બીજી તરફ કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ હવે વિવિધ વિસ્તારમાં સર્વે કરીને કોરોનાની રસીનો બીજો ડોઝ નહીં લેનારને શોધીને રસી આપી રહી છે.