અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, આણંદના ડેમોલ ગામમાં કોરોનાને માથુ ઉચકતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ગામમાં માત્ર 3 જ દિવસમાં 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગામમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે ગ્રામજનો દ્વારા સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદ તાલુકામાં 3 હજારની વસતી ધરાવતા ડેમોલ ગામનું મહિલા મંડલ લોકડાઉન બાદ ધાર્મિક યાત્રાએ ગયું હતું. તેમજ એક જ અઠવાડિયા પહેલા પરત ફર્યું હતું. ત્યાર બાદ ગામના યુવાનો ધાર્મિક યાત્રા ઉપર ગયા છે. દરમિયાન ગામમાં કેટલાક લોકો તાવ, શરદી અને ઉધરસની ફરિયાદ કરતા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 3 દિવસના સમયગાળામાં 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા.
નાનકડા ગામમાં 20 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે. આરોગ્ય વિભાગની 8 ટીમો દ્વારા ગામમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ગ્રામજનોએ કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે કેટલીક દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.