- ચીનમાં ફરીવાર વધ્યો કોરોના?
- વુહાનમાં ફરીવાર થશે બધા લોકોનો કોરોના ટેસ્ટ
- નોંધપાત્ર રીતે કેસ આવતા તંત્ર એલર્ટ
દિલ્હી : ચીનમાં કોરોનાવાયરસ ફરીવાર માથું ઊંચકી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. ચીનના જે શહેરથી કોરોનાવાયરસ ફેલાવાની શરૂઆત થઈ હતી તે શહેર વુહાનમાં ફરીવાર નોંધપાત્ર રીતે કેસ નોંધવામાં આવી રહ્યા છે. વુહાનના તંત્ર દ્વારા હવે તમામ લોકોના કોવિડ ટેસ્ટ થાય તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. વુહાન 1.10 કરોડ લોકોની વસ્તી ધરાવે છે. જ્યાં તમામ નાગરિકોનો ન્યુક્લેઈક એસિડ ટેસ્ટ કરાશે તેમ વુહાનનાં અધિકારી લી તાઓએ જણાવ્યું હતું. તેના દ્વારા સંક્રમણની સ્થિતિ ચકાસવામાં આવશે.
શહેરમાં બહારથી આવેલા કેટલાક કામદારોમાં કોરોનાનું સંક્રમણ જણાઈ આવ્યું હતું. આ અગાઉ નવેમ્બર 2019માં કોરોનાનો સૌથી પહેલો કેસ વુહાનમાં જ બહાર આવ્યો હતો અને આખા વિશ્વમાં ફેલાયો હતો. મંગળવારે ચીનમાં ડેલ્ટા વેરિઅન્ટના 61 કેસ નોંધાયા હતા. આ પછી સરકારે લોકોને પોતાનાં ઘરમાં જ રહેવા અપીલ કરી છે.
જાણકારી અનુસાર ચીનના 18 રાજ્યો અને 27 શહેરોમાં કોરોનાવાયરસના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રવિવાર પછી કુલ ૭૫ કેસ નોંધાયા હતા જેમાં ૫૩ કેસ સ્થાનિક લોકો દ્વારા ફેલાયા હોવાનું જણાયું હતું. નાનજિંગ એરપોર્ટ પરનાં સફાઈ કામદારમાં સૌથી પહેલા કોરોના સંક્રમણ જણાયું હતું. જુલાઈનાં ત્રીજા અઠવાડિયા પછી અહીં કુલ ૩૦૦થી વધુ કેસ નોંધાયા છે. જેમાં ૨૦૦ કેસ સ્થાનિક રહીશો દ્વારા ફેલાયા હતા. આ તમામ કેસ ડેલ્ટા વેરિઅન્ટનાં હોવાનું જણાયું છે.
થોડા કલાકો પહેલા જ ચીનના એવિયેશન રેગ્યુલેટરે જાહેરાત કરી હતી કે, 4 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી જે લોકોએ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ બૂક કરાવી હતી તેમને ટિકિટ કેન્સલ કરાવવા બદલ ફૂલ રિફંડ આપવામાં આવશે.