અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. 24 કલાક દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 100 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. કોરોનાના કેસમાં વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાના કેસને પગલે વધુ 3 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આમ અત્યાર સુધીમાં લગભગ કુલ 7 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ કરવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં કોરોનાને કેસને ધ્યાનમાં રાખીને વિજય ચાર રસ્તા પાસે આવેલી ગુરુસાંદિપની સોસાયટીના ત્રણ ઘરને, ગોતાના ડીવાઇન હાઇલેન્ડ બંગલોના 3 ઘર, ગોદરેજ ગાર્ડન સિટીના ઇડન ફ્લેટના 8 ઘરને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. આમ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારની સંખ્યા વધીને 7 થઇ ગઇ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટની સાથે ઓમિક્રોનના કેસમાં સતત વધારો થતા મનપાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. બીજી તરફ મનપા સંચાલિત હોસ્પિટલોમાં બેડ, આઈસીપુ બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત 3 જાન્યુઆરીથી અમદાવાદની સ્કૂલ-કોલેજમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
(PHOTO-FILE)