કોરોનાને લીધે વિટામીન-C યુક્ત ફળોની માગ વઘતા નારંગી,મોસંબી અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં મોંઘવારીએ માઝા મુકી છે. કોરોનાને કારણે વિટામીન-સી યુકત ફળોની માગમાં જબ્બર વધારો થયો છે. જેના લીધે મોસંબી, નારંગી અને લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. ડોક્ટરો વીટામીન સી યુક્ત આહાર અને ફળોનું સેવન કરવાની સલાહ આપી રહ્યાં છે. ત્યારે વેપારીઓ હવે આવા કપરાં કાળમાં લૂટ વચાવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વિટામીનયુક્ત ફળોના વેચાણમાં પણ વધારો થયો છે.જેના કારણે અમદાવાદ ફ્રૂટ માર્કેટમાં નારંગી અને મોસંબીની માગ વધી છે. હાલ ફ્રૂટ માર્કેટમાં મોસંબીના ભાવ 10 કિલોના 1100 થી 1200 રૂપિયા બોલાઈ રહ્યાં છે. 1 અઠવાડિયા પહેલાં આ જ મોસંબીનો 10 કિલોનો ભાવ 600થી 700 રૂપિયા હતો. જ્યારે નારંગી ના ભાવ માં પણ ધરખમ વધારો આવ્યો છે.
અમદાવાદમાં નરોડા અને કાળુપુર ફ્રૂટ માર્કેટના વેપારીઓના કહેવા મુજબ આ ભાવ આગળથી જ વધી ને આવે છે. કોરોના કાળમાં બીજી લહેરને અટકાવવા માટે સરકારે જે કરફ્યુ આપ્યો છે તેની અસર પણ ધંધા પર પડી રહી છે. કફર્યુને કારણે ફળોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. વર્ષોથી ફ્રૂટનો વેપાર કરતા વેપારીઓનું એમ પણ કહેવું છે કે, કોઈપણ ધંધો હોય એમાં ડિમાંડ અને સપ્લાહનો નિયમ લાગુ પડતો હોય છે. હાલ કોરોનાને કારણે ફળોની માગ વધી રહી છે. વેપારીઓ પાસે પુરતો જથ્થો આવતો નથી. એવામાં ફ્રૂટની માગ વધવાને કારણે તેની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
કોરોના વાયરસ સામે લડવા માટે આપણાં શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવી ખુબ જ જરૂરી છે. એવામાં વીટામીન સી યુક્ત ખોરાકનું સેવન ઈમ્યુનીટી સિસ્ટમને મજબૂત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તબીબો પણ હાલની સ્થિતિમાં લોકોને વીટામીન સી યુક્ત ફળોનું સેવન કરવાની સલાહ આપે છે.