અમદાવાદમાં કોરોના રિટર્ન્સઃ ફરીથી બાગ-બગીચા અને કાંકરિયા ઝુ બંધ કરાયાં
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસ વધી રહ્યાં છે. સરકાર દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ શહેરમાં રાત્રિ કર્ફ્યુનો સમય વધારી દેવામાં આવ્યો છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કોર્પોરેશનના કમિશનરોને જરૂરી પગલા લેવાના આદેશ આપવામાં આવ્યાં છે. દરમિયાન અમદાવાદ શહેરમાં બાગ-બગીચા, કાંકરિયા લેક અને કાંકરિયા ઝુ સહિતના સ્થળો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી આ તમામ બંધ કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં કોરોનાના કેસ બેકાબૂ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં તમામ બાગ બગીચા બંધ કરવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદના કાંકરિયા લેક તેમજ ઝુ પણ બંધ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનના 273 ગાર્ડન આવતી ગુરુવારથી બંધ કરી દેવાશે.
અમદાવાદ શહેરમાં ગયા વર્ષે કોરોનાના કેસ વધતા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ બાગ-બગીચા પણ બંધ કરવામાં આવ્યાં હતા. મહિનાઓ સુધી પ્રજા માટે ગાર્ડન બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા કોર્પોરેશન દ્વારા ગાર્ડન સહિતના સ્થળો શહેરીજનો માટે સરકારની ગાઈડલાઈન અનુસાર શરૂ કરવામાં આવ્યાં હતા. હવે ફરી એકવાર કોરોનાના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેથી કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે.