Site icon Revoi.in

બીજી લહેરમાં કોરોનાનો ભય વધારે ઘાતક સાબિત થયોઃ સર્વેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Social Share

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. તેમજ અનેક લોકોના મોત થયાં હતા. આ ઉપરાંત પોઝિટિવ કેસને પગલે એમ્બ્યુલન્સની સાયરનો પણ સતત વાગતી હતી. કોરોનાની બીજી લહેરમાં કોરોના વાયરસના કરતા તેનો ભય સૌથી ઘાતક સાબિત થયો હોવાનું એક સર્વેમાં સામે આવ્યું છે.

કોરોના વિશેનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનો વિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ તથા ડો. ધારા દોશી દ્વારા કરવામાં આવ્યું છે. કોરોના કરતા તેનો કલ્પનીક ભય, તેના વિશેના ફોટાઓ, વિડીયો, મૃત્યુના આંકડા, બીમારીઓ ફેલાવતા કે રુદન કરતા સ્ટેટ્સ અને ભયાનક દ્રશ્યો વગેરે બાબતો વધુ ભય ફેલાવ્યો હોવાનું આ સર્વેમાં સામે આવ્યું હતું. 1710 વ્યક્તિઓનો સર્વેમાં સમાવેશ કરાયો હતો. સૌથી વધારે ભય વિવિધ પ્લેટફોર્મ પર કોરોનાથી થતા મૃત્યુના આંકડા આવતા હોવાથી ફેલાયો હોવાનું સામે આવ્યો છે. આવા આંકડાથી ભય ફેલાયો હોવાનું 24.30 ટકા લોકોએ સ્વિકાર્યું હતું.

સર્વેમાં 22.10 ટકાએ કહ્યું કે, સોશિયલ મીડિયામાં નકારાત્મક પોસ્ટ, ફોટાઓ, સ્ટેટ્સ, વિડીયો જોઈ ભય લાગતો. હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનનો અભાવ હોવાનું જાણીને 19.10 ટકા લોકો ભયભીત થઈ ગયા હતા. ન્યૂઝપેપરમાં શ્રદ્ધાંજલીના ફોટાના પેઝ વધવાથી 15.07 ટકામાં ભય ફેલાયો હતો. એમ્બ્યુલન્સની સાયરનથી 10.08 ટકા, અંતિમયાત્રાઓ જોઈને 6.01 ટકા, તેમજ ખોટી અફવાઓથી 3.33 ટકા લોકોમાં ભય ફેલાયો હતો. આમ કોરોના કરતા કોરોનાના ભય દ્વારા લોકો માનસિક ગડમથલ અને માનસિક રોગના ભોગ બન્યા છે.