હવે કોરોના પીડિત દર્દીઓ હોસ્પિટલના બેડ ઉપર આરામ કરતા-કરતા મોટીવેશન પુસ્તકોનું કરશે વાંચન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત ઘટી રહ્યાં છે. જો કે, હજુ પણ અનેક દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલમાં સારવાર લેવા દર્દીઓ પાસે વાત-ચીત કરનાર કોઈ ન હોવાથી તેઓ કંટાળી જાય છે તેમજ તેમના મગરમાં જેથી ખોટા વિચારો આવે છે. જેથી દર્દીઓને મોટીવેશન અને જ્ઞાન મળી રહે તે માટે કલામ સેન્ટર દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. નવસારીની સિવિલમાં દર્દીઓ માટે ખાસ પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે. તેમજ રાજ્યના 20 શહેરોમાં આ સેવા શરૂ કરવામાં આવી છે. જેથી દર્દીઓ ધાર્મિક પુસ્તકોની સાથે મોટીવેશન પુસ્તકોનું વાંચન કરીને પોતાના જ્ઞાનનો વધારો કરી શકે.
પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્પિટલના બેડમાં સારવાર લઈ રહેલા કોરોના પીડિતો માટે કલામ સેન્ટર દ્વારા અનોખી સેવા શરૂ કરવામાં આવી છે. દર્દીઓનું મનોબળ વધારે મજબુત થવાની સાથે જ્ઞાનમાં વધારો થાય તેવા ઈરાદાથી નવસારીની સિવિલમાં કલામ સેન્ટર દ્વારા પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું છે. તેમાં ભાગવત ગીતાથી માંડીને મોટીવેશનલ પુસ્તકો છે. માત્ર નવસારી જ નહીં પરંતુ રાજ્યના 20 શહેરોમાં આ કલામ સેન્ટર દ્વારા અનોખી પહેલની શરુઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સરકાર દ્વારા સઘન ટેસ્ટીંગ પણ કરવામાં આવ્યું હતું. દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો હતો. બીજી તરફ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત રેમડેસિવિર ઈન્જેકશનની અછત સર્જાયા અનેક સેવાભાવી સંસ્થાઓ અને સામાજીક આગેવાનોએ લોકોની મદદ માટે આગળ આવ્યાં હતા.