સુરતની શાળાઓમાં કોરોના ટેસ્ટીંગ કરાયું, બે શિક્ષક અને 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના ગાઈડલાઈન સાથે સ્કૂલોમાં ધો-10 અને ધો-12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ આગામી દિવસોમાં ધો-9 અને ધો-11ના વર્ગો શરૂ કરવાનું આયોજન છે. દરમિયાન સુરતની શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં બે શિક્ષક અને 3 વિદ્યાર્થીના રિપોર્ટ પોઝિટિવ મળી આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં તા. 11મી જાન્યુઆરીથી ધો-10 અને ધો-12ના વર્ગો સ્કૂલમાં શરૂ કરવામાં આવ્યાં છે. કોરોના ગાઈડલાઈન અને સરકારના નિયમો અનુસાર સ્કૂલોમાં વર્ગ શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન જૂનાગઢના કેશોદમાં કેટલાક વિદ્યાર્થીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. બીજી તરફ સુરતમાં તંત્ર દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સુરત શહેરમાં 97 જેટલી શાળાઓમાં 2320 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતા. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આ પાંચ વ્યક્તિઓમાં બે શિક્ષક અને ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સ્કૂલોમાં ટેસ્ટીંગમાં પાંચ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
(ડી)