અમદાવાદઃ ડાયમન્ટ સિટી સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર દ્વારા સ્કૂલોમાં વિદ્યાર્થી, શિક્ષકો સહિતના સ્ટાફનો કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જેથી વાલીઓમાં ભય ફેલાયો છે. તેમજ તેમણે સ્કૂલો બંધ કરવા રજૂઆત કરી છે. સુરતમાં સતત બીજા દિવસે છ વિદ્યાર્થી અને બે શિક્ષકો કોરોના સંક્રમિત થયાં હતા. આ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સારવાર શરૂ કરવામાં આવી છે. તેમજ તેમના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં અમદાવાદ બાદ હવે સૌથી વધુ સુરત શહેર કોરોનાનાં ભરડામાં દેખાઇ રહ્યુ છે. તેમજ તંત્ર દ્વારા સ્કૂલોમાં કોરોના ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા 37 શાળાના કુલ 2,484 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના ટેસ્ટિંગ કરાયા છે. દરમિયાન સતત બીજા દિવસે વધુ 6 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. લિંબાયત ઝોનની શાળાના 3 વિદ્યાર્થી, અઠવા ઝોનની શાળાના 2 શિક્ષકો સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. તમામ પોઝિટિવ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હોમ ક્વોરન્ટાઇન કરીને વર્ગ ખંડ બંધ કરવામાં આવ્યા છે. જ્યારે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ પણ શરૂ કરી દેવાયું છે.
સુરતની શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓ ચિંતિત બન્યાં છે. શાળાઓમાં કોરોનાનું સંક્રમણ વધતા વાલીઓએ શાળાઓ બંધ કરવાની રજૂઆત કરવાની શરૂ કરી દીધી છે. કોરોના વધતા વાાલી મંડળ દ્વારા DEO ને લેખિતમાં શાળાઓ બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે.