અમદાવાદઃ ગુજરાતમાં જાણીતી શૈક્ષણિક સંસ્થા આઈઆઈએમ અમદાવાદ અને આઈઆઈટી ગાંધીનગરમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા બાદ વધુ એક જાણીતી શૈક્ષણિક સંસ્થામાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. જાણીતી શૈક્ષણિક સંસ્થા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (GTU)માં 10 જેટલા પોઝિટિવ કેસ સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના કુલપતિ નવીન શેઠનો કોરોના ટેસ્ટીગ રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે. આ ઉપરાંત રજીસ્ટ્રાર કે. એન. ખેર ને પણ કોરોના થયો હોવાનું જાણવા મળે છે. આમ GTU ના કુલપતિ અને રજીસ્ટ્રાર સહિત કુલ 10 જેટલા કર્મચારીઓને કોરોના થતા યુનિવર્સિટીના કેમ્પસમાં ફફડાટ વ્યાપી ગયો છે.
કોરોનાનું સંક્રમણ ઘટતા શૈક્ષણિક કાર્ય તબક્કાવાર શરૂ કરવામાં આવ્યું હતું. જો કે, કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ શહેરી વિસ્તારોમાં કોરોના ટેસ્ટીંગ વધારે તેજ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત હોસ્પિટલોમાં કોવિડ બેડની સંખ્યામાં પણ વધારો કરાયો છે.