Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યુઃ વિવિધ વિસ્તારમાં ઉભા કરાયેલા ટેસ્ટીંગ બુથ બંધ કરાશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં અનેક બેટ ખાલી છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોના કોરોના ટેસ્ટ માટે વિવિધ વિસ્તારમાં ઉભી કરેલા બુથ બંધ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે. જેથી હવે શહેરીજનો સરકારી હોસ્પિટલો અને કેટલીક ખાનગી હોસ્પિટલમાં કોરોનાના ટેસ્ટ કરાવવો પડશે. અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મનપા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાકાળમાં અમદાવાદમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે મનપા દ્વારા સઘન સર્વે અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં બુથ ઉભા કરીને શહેરીજનોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, હવે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. તેમજ ટેસ્ટીંગ બુથ ઉપર પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો આવતા હોવાથી શહેરના વિવિધ વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા ટેસ્ટીંગ બુથ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. શહેરના ગોતા વિસ્તારમાં ટેસ્ટીંગ બુથ બંધ કરવામાં આવ્યું છે. મનપા હેલ્થ સેન્ટરમાં ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી છે.

મ્યુન્સિપલ કોર્પોરેશને 32 લાખ જેટલી એન્ટિજન ટેસ્ટ કિટની અત્યાર સુધીમાં ખરીદી કરી છે. કોર્પોરેશન દ્વારા રૂ. 141 કરોડની એન્ટિજન ટેસ્ટ કીટની ખરીદી કરવામાં આવી હતી. બીજી તરફ અમદાવાદ મનપા દ્વારા કોરોનાના રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી છે.