અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે એટલું જ નહીં બે દિવસમાં રેકોર્ડબ્રેક પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. બીજી તરફ રાજ્યમાં સૌથી વધારે પોઝિટિવ કેસ મેગાસિટી અમદાવાદ શહેરમાં 9837 અને જિલ્લામાં 120 નોંધાયા હતા. અમદાવાદમાં દસ દિવસ દરમિયાન એક્ટિવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. અમદાવાદમાં એક અંદાજ અનુસાર એક્ટિવ કેસના આંકડામાં 22 ટકાનો વધારો નોંધાયો છે. ગુરૂવારે કોરોનાને લીધે 7ના મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 10મી જાન્યુઆરીના રોજ એક્ટિવ કેસ 14 હજારથી વધારે હતા. જેમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ 31 હજારથી વધારે એક્ટિવ કેસ હોવાનું જાણવા મળે છે. શહેરના પોશ ગણાતા પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કોરનાની પ્રથમ લહેરમાં સૌથી વધારે પોઝિટિવ કેસ કોટ વિસ્તારમાં નોંધાયાં હતા. જ્યારે બીજી લહેરમાં સંમગ્ર દેશમાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જ્યારે ત્રીજી લહેરમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધારે કેસ આવી રહ્યાં છે. અમદાવાદ શહેર-જિલ્લામાં બે દિવસમાં 14 હજાર જેટલા પોઝિટિવ કેસ સામે આવતા તંત્ર પણ હરકતમાં આવ્યું છે. શહેરના બોડકદેવ અને જોધપુર વિસ્તાર ત્રીજી લહેરના એપીસેન્ટર બન્યા છે.
અમદાવાદ શહેરમાં પોઝિટિવ કેસમાં ચિંતાજનક વધારો થતા મનપા દ્વારા ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં ઉભા કરાયેલા ડોમમાં મોટી સંખ્યામાં લોકો ટેસ્ટીંગ માટે લાંબી લાઈનો લગાવે છે. આ ઉપરાંત મનપા દ્વારા ધનવંતરી રથ અને સંજીવની રથ પણ દોડાવવામાં આવી રહ્યાં છે.