કોરોના રસીકરણઃ સુરતમાં હવે ધાર્મિક સ્થળો ઉપર ઉભા કરાશે રસીકરણ સેન્ટર
- જ્યાં ઓછા લોકો આવે છે તેવા સેન્ટર બંધ કરાશે
- 230 સેન્ટરો ઉપર રસી આપવાની કામગીરી
- રસીકરણ અભિયાન બનાવાયું તેજ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને ડામવા માટે રસીકરણ અભિયાન ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમજ મોટી સંખ્યામાં લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન સુરત મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં મંદિર, ગુરુદ્વારા જેવા ધાર્મિક સ્થાનો પર પણ વેકસિન સેન્ટર ઉભું કરવા મનપાનું આયોજન હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રસીકરણમાં વધારે થાય તે માટે મનપા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના રસીકરણ સેન્ટર પર હવે રોજના 50 ટકાથી પણ ઓછા લોકો વેક્સિન લગાવી રહ્યા છે, તેવા સેન્ટરોને બંધ કરીને તેમને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ જ્યાં લોકોની વધારે અવર-જવર હોય તેવા સ્થળો ઉપર રસીકરણ સેન્ટર શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યો છે.
સુરત કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં મંદિર અને મસ્જીદ સહિતના ધાર્મિક સ્થળો ઉપર કોરોના રસીકરણ સેન્ટર શરૂ કરવામાં આવશે. હાલ સુરતના લગભગ 230 જેટલા સેન્ટરો ઉપર રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ઓછા આવતા 100થી વધારે સેન્ટરને ઘટાડવામાં આવશે. સુરતમાં 24 કલાકમાં કુલ 45121 લોકોએ સ્પોટ વેકસિન લીધી છે. જેમાં 29,726 લોકોએ પ્રથમ ડોઝ અને 15,395 લોકોએ વેકસીનનો બીજો ડોઝ લીધો છે. સુરતમાં વધારેમાં વધારે લોકો કોરોનાની રસી મેળવે તે માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે.