કોરોના રસીકરણઃ 100 કરોડ લોકોને રસીથી સુરક્ષિત કરાયાં બાદ દેશની જનતાને મળશે માસ્કમાંથી મુક્તિ ?
દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવ્યું છે. અત્યાર સુધીમાં 99 કરોડ લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષિત કરાયાં છે. ગણતરીના કલાકોમાં કોરોના રસીકરણનો આંકડો 100 કરોડને પાર થવાની શકયતા છે. બીજી તરફ કોરોનાના કેસમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે દિવાળીના તહેવારો સુધીમાં લોકોને માસ્ક ફ્રી કરવામાં આવશે કે કેમ તે અંગે અટકળો વહેતી થઈ છે. સરકારે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીમાં 216 કરોડ ડોઝ આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.
દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૂઆત કરાઈ હતી. 131 દિવસમાં 20 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય 20 કરોડ ડોઝ માત્ર 52 દિવસમાં આપવામાં આવ્યાં છે. 40થી 60 કરોડ ડોઝનો આંકડો 39 દિવસમાં જ પૂર્ણ કરવામાં આવ્યો છે. જ્યારે 60થી 80 કરોડનો આંકડો માત્ર 24 દિવસમાં પૂર્ણ કરાયો હતો. જો કે, 80 કરોડથી 100 કરોડના આંકડા સુધી પહોંચતા એકાદ મહિના જેટલો સમય લાગ્યો છે. એટલે કે કોરોનાની રસીકરણ અભિયાનની ગતિ ધીમી પડી છે. જેથી 216 કરોડ રસીના ડોઝ સુધી પહોંચતા 175 દિવસનો સમય લાગી શકે છે. એટલે કે એપ્રિલ 2022માં આ આંકડો ભારત પાર કરી શકશે.
બ્રિટન, અમેરિકા, સ્વીડન, ચીન, ન્યૂઝીલેન્ડ, હંગરી, ઈટલી બાદ તાજેતરમાં જ સુદી અરબમાં સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થતા માસ્કમાંથી પ્રજાને મુક્તિ આપવામાં આવી છે. ઈઝરાઈલ દુનિયાનો પ્રથમ દેશ છે જેને પ્રજાને માસ્કમાંથી મુક્તિ આપી હતી. જો કે, ડેલ્ટા વેરિયન્ટના કેસના કારણે ફરીથી માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું હતું.