કોરોના રસીકરણ અભિયાનઃ અમદાવાદમાં હજુ 10.57 લાખ લોકોએ નથી લીધો બીજો ડોઝ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી સામે રસી જ એક માત્ર રામબાણ ઈલાજ છે. જેથી ગુજરાતમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં વધારેમાં વધારે લોકો કોરોનાની રસી લઈને સુરક્ષિત બને તે માટે મનપા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
મનપાએ કોરોના રસી લેનારાઓમાં તેલના પાઉચ સહિતની વસ્તુઓનું વિચરણ કર્યું છે. તેમજ એએમટીએસ, બીઆરટીએસ બસ સ્ટેન્ડ, ગાર્ડન અને મેરેજ હોલ સહિતના સ્થળો ઉપર વેક્સિનેશનની કામગીરી કરી છે. તેમ છતા હજુ 10.57 લાખ જેટલા શહેરીજનોએ કોરોનાની રસીનો બીજો ડોઝ નહીં લીધો હોવાનું જાણવા મળે છે.
આધારભૂત સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં બીજી લહેર બાદ શહેરમાં વેક્સિનેશન વધારવા મનપાએ એ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. ઘણી સ્કીમો અને આયોજનો બાદ પણ હજુ લોકો બીજો ડોઝ લેવા પ્રેરાયા નથી. કોર્પોરેશને અત્યાર સુધીમાં વેક્સિન લેવા માટે નાગરિકોને 3.49 લાખ તેલનાં પાઉચ, લકી ડ્રોના માધ્યમથી 10 ફોન આપ્યાં છે.
હજુ ઘણા લોકો વેક્સિન લેવા માટે ઉત્સાહિત નથી. એટલું જ નહીં મોલ-હોટેલો, ઓફિસોમાં તપાસ કરી વેક્સિન ન લેનારા સામે કાર્યવાહી પણ કરાઈ છે. તેમ છતાં હજુ પણ 10.57 લાખ નાગરિકોને બીજો ડોઝ લેવાનો બાકી છે. હવે કોરોનાના કેસમાં ફરી એકવાર ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે બીજી તરફ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ શહેરીજનો કોરોનાની રસીનો બીજો ડોજ મેળવે તે દિશામાં કામગીરી કરી રહ્યું છે.