કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતમાં આઠ દિવસમાં 10 લાખ યુવાનોને અપાશે વેક્સિન
- રસીકરણ અભિયાન કરાયું તેજ
- સીએમ રૂપાણીએ અમદાવાદ મનપાની કામગીરીની કરી પ્રસંશા
અમદાવાદઃ કોરોનાના દર્દીઓની સાર-સંભાળ કરીને એસ.વી.પી હોસ્પિટલએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. સંજીવની રથ, ધન્વંતરી રથ, કોરોના વેક્સિનેસનની સુવ્યવસ્થિત આયોજનથી કોરોના સંક્રમણને ઝડપથી કાબુ લેવામાં અમદાવાદ મહાનગરપાલિકાએ ઉત્કૃષ્ટ સહયોગ આપ્યો છે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં પ્રતિદિન સવા લાખ યુવાનોને નિઃશુલ્કમાં વેક્સિન આપી રહ્યા છીએ. આઠ દિવસમાં 10 લાખ યુવાનોને વેક્સિન આપીને ઝડપથી ગુજરાતમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. રાજ્યના 50 ટકા લોકોને વેક્સિન લઈ લેશે ત્યારે કોરોનોને ઝડપથી હરાવી શકીશું. આપણે કોરોનાની બીજી લહેરને ઝડપી મ્હાત આપી દીધી. ત્રીજી લહેર માટેની પૂર્વ તૈયારીઓ રાજ્ય સરકારે આરંભી દીધી છે. સમગ્ર ભારતમાં ગુજરાત સૌપ્રથમ કોરોનામુક્ત બને તે દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે.
તેમણે કહ્યું કે, રાજ્યના વિકાસમાં શહેરી અને ગ્રામીણ બંન્ને વિસ્તારનું 50-50 ટકા એટલે કે એકસરખું જ યોગદાન હોય છે, ગુજરાતમાં 50 ટકા નાગરિકો શહેરોમાં 50 ટકા નાગિરકો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. જેથી રાજ્ય સરકાર સંતુલિત વિકાસને મહત્વ આપી રહી છે. શહેરો અદ્યત્તન બને અને ગામડાઓમાં શહેરો જેવી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.