- 23 ટકા ગામોમાં 10 ટકા રસીકરણ
- ગીર સોમનાથ જિલ્લામાં 50 ટકા
- ડાંગ જિલ્લામાં સૌથી ઓછુ રસીકરણ
અમદાવાદઃ કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન જ એકમાત્ર હથિયાર છે. હાલ રાજ્યમાં 2500થી વધારે હોસ્પિટલ અને સેન્ટર ઉપર રસીકરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધારે લોકોએ રસી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના 23 ટકા એટલે કે 4187 જેટલા ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. હાલ 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 18 હજારથી વધારે ગામ છે. જે પૈકી 23 ટકા ગામમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થયું છે. ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધારે 52 ટકા જેટલુ રસીકરણ થયું છે. જ્યારે સૌથી ઓછુ ડાંગમાં 3.86 ટકા જેટલું થયું છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 50 ટકા અને છોટાઉદેપુરમાં 357 ગામમાં રસીકરણ પૂર્ણ થયું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ કરોડથી વધારે લોકોએ કોરોનાની રસી લીધી છે. 3.73 કરોડ લોકોએ પ્રથમ ડોઝ અને 1.34 કરોડ લોકોએ બંને ડોઝ લઈ ચુક્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે અને દરરોજ સરેરાશ બે લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે. આ ઉપરાંત બાળકોની રસી પણ આગામી દિવસોમાં ઉપલબ્ધ થઈ જશે. હાલ બાળકોની રસી માટેની ટ્રાયલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે.