નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ભારતમાં કોરોનાથી લોકોને સલામત કરવા માટે રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમજ અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોનાની રસીના 200 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. જો કે, ચોંકાવનારી બાબત એ છે કે, હજુ સુધી દેશમાં 4 કરોડ લોકોએ કોરોના રસીનો એક પણ ડોઝ નહીં લીધી હોવાનું સામે આવ્યું છે.
દેશમાં કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ 18 વર્ષથી વધુની ઉંરના લોકોને હાલ બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યાં છે. કોરોનાની સામે અસરકારક હથિયાર વેક્સિન હોવાનું કહી કહીને સરકાર થાકી ગઈ તેમ છતાં પણ લોકોની આંખ ઉઘડતી નથી અને હવે કોરોના કાળમાં લોકોની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 6.77 કરોડ પુખ્ત વયના લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે.
સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો (સીવીસી) પર આ વર્ષે 16 માર્ચથી આરોગ્ય કર્મચારીઓ (એચસીડબ્લ્યુ), ફ્રન્ટ-લાઇન વર્કર્સ (એફએલડબ્લ્યુ) અને 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે સાવચેતીના ડોઝ વિના મૂલ્યે ઉપલબ્ધ હતા. સરકારી રસીકરણ કેન્દ્રો પર 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોને પ્રિકોશન ડોઝ આપવા માટે 75 દિવસનું વિશેષ અભિયાન 15 જુલાઈથી શરૂ થયું હતું.
કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટર ભારતી પ્રવીણ પવારે સંસદમાં જણાવ્યું હતું કે, હજુ સુધી 4 કરોડ લોકોએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી. ભારતે કોરોના સામેના અભિયાનમાં અન્ય દેશોને પણ મદદ પુરી પાડી છે. કેન્દ્ર સરકારે દુનિયાના અનેક દેશોને કોરોનાની રસીનો ડોઝ પુરા પાડ્યાં છે.