દિલ્હીઃ ભારતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ટાળવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 122 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં 43.76 કરોડ લોકોએ અત્યાર સુધીમાં કોરોનાની બીજી રસીનો ડોઝ લીધો છે. તેમજ મોટી સંખ્યામાં લોકો કોરોના રસીનો બીજો ડોઝ લે તે માટે કેન્દ્ર સરકાર સાથે સ્થાનિત તંત્ર દ્વારા પણ કવાયત તેજ બનાવવામાં આવ્યું છે. દેશમાં અત્યાર સુધીમાં 78.19 કરોડ વ્યક્તિઓએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર દેશમાં 24 કલાક દરમિયાન 83 લાખ લોકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધીમાં લગભગ 121.94 કરોડ ડોઝ આપવામાં આવ્યાં છે. કોરોનાને ડામવા માટે રસી જ એક રામબાણ ઈલાજ છે. જેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને રસી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં કેન્દ્ર સરકાર દ્વારા 95 દેશને કોરોનાની રસી આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 3.40 કરોડ લોકોએ કોરોનાને મહાત આપી છે. હાલ દેશમાં રિકવરી રેટ 98.34 ટકા જેટલો છે. આ ઉપરાંત કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગની પ્રક્રિયા પણ તેજ બનાવવામાં આવી છે. 24 કલાકમાં 10 લાખથી વધારે ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. આમ અત્યાર સુધીમાં લગભગ લગભગ 64 કરોડ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યાં છે. હાલ દેશમાં લગભગ 1.05 લાખ દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.