Site icon Revoi.in

કોરોના રસીકરણ અભિયાનઃ 15થી 18 વર્ષના એક કરોડથી વધુ કિશોરોએ રસીના બંને ડોઝ લીધા

Social Share

નવી દિલ્હીઃ કોરોના મહામારી સામે ભારત સહિત દુનિયાના તમામ દેશો લડાઈ લડી રહ્યાં છે. ભારતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 15થી 18 વર્ષના એક કરોડથી વધારે કિશોરોને કોવિડ વેક્સિનના બંને ડોઝ આપવામાં આવ્યાં છે.

ગત 3 જાન્યુઆરી 2022થી સમગ્ર દેશમાં કોરોના સામેની લડાઈમાં 15થી 18 વર્ષના કિશોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કિશોરોને કોરોના સંક્રમણથી બચાવવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઉત્તરપ્રદેશ, ગુજરાત, અસમ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, કેરલ સહિતના રાજ્યોમાં કિશોરોનું રસીકરણ અભિયાન તેજ ચાલી રહ્યું છે. બાળકોના રસીકરણ માટે દેશમાં તા. 1લી જાન્યુઆરીથી નોંધણી શરૂ કરવામાં આવી હતી. 15થી 18 વર્ષની વયવાળા 12 લાખથી કિશોરોએ પ્રારંભમાં નોંધણી કરાવી હતી. રસી માટે કોવિન પોર્ટલ ઉપર હજુ પણ નોંધણી ચાલી રહી છે. આ ઉપરાંત કિશોરો સીધા રસીકરણ કેન્દ્ર ઉપર જઈને નોંધણી કરાવી શકે છે અને તેમને તાત્કાલિક રસી આપવામાં આવે છે. દેશમાં અત્યાર સુધીમાં એક કરોડથી વધારે કિશોરોએ કોવિડ-19 રસીના બંને ડોઝ લીધા છે.

તા. 10મી જાન્યુઆરીથી સમગ્ર દેશમાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને વિવિધ બીમારીઓથી પીડિતા 60 વર્ષથી વધુની સિનિયર સિટીઝનોને પ્રિ-કોશન ડોઝ આપવામાં આવી રહ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના લગભગ 170 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે.