Site icon Revoi.in

કોરોના રસીકરણ અભિયાનઃ ગુજરાતમાં અત્યાર સુધીમાં 10.64 લાખ લોકોએ લીધી કોરોના રસી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તા. 1માર્ચથી 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન અને વિવિધ બીમારીથી પીડિત 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં 3.14 લાખ લોકોને રસી આપવામાં આવી છે. જ્યારે 7.50 લાખ જેટલા કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 10.64 લાખથી વધારે વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદની સોલા સિવિલમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના 876 લોકોને પ્રથમ રાઉન્ડમાં રસી આપવામાં આવી હતી. જ્યારે બીજા રાઉન્ડમાં 344 લોકોને ડોઝ અપાયો છે. આ ઉપરાંત 1737 પોલીસ કર્મચારીઓએ સોલા સિવિલમાં રસી લીધી છે. તેમજ 374 સિનિયર સિટીઝન અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુના 29 યુવાનોએ કોરોનાની રસી સોલા સિવિલ હોસ્પિટલમાં લીધી છે. આવતીકાલથી પોલીસ કર્મચારીઓનો બીજો રાઉન્ડ શરૂ થશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 7.50 લાખ કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયરસ અને 3.14 સામાન્ય નાગરિકોએ કોરોનાની રસી લીધી છે. જો કે, હજુ સુધી કોઈને રસીની આડઅસર થઈ નથી. સિનિયર સિટીઝન અને વિવિધ બીમારીથી પીડિત 45 વર્ષથી વધુના લોકોને કોરોનાની રસી મળી રહે તે માટે 2500થી વધારે સરકારી હોસ્પિટલમાં સુવિધા ઉભી કરવામાં આવી છે. આ રાઉન્ડમાં ગુજરાતમાં 60 લાખથી વધારે સિનિયર સિટિઝનને કોરોનાની રસી આપવામાં આવશે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસી આપવામાં આવી રહી છે.