Site icon Revoi.in

કોરોના રસીકરણઃ ભારતમાં અત્યાર સુધીમાં 15 કરોડથી વધારે લોકોને અપાઈ રસી

Social Share

દિલ્હીઃ ભારતમાં એક તરફ કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરનાને નાથવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. બીજી તરફ કોરોનાને મહાત કરવા માટે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન 24 કલાકમાં અંદાજે 22 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. આમ ભારતમાં અત્યાર સુધીમાં લગભગ 15 કરોડ લોકોને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાથી લોકોને સુરક્ષિત કરવા માટે રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે. ગુજરાત સહિત તમામ રાજ્યોમાં પણ સરકાર દ્વારા રસીકરણને વેગવંતુ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. એટલું જ નહીં સરકાર દ્વારા લોકોને કોરોનાની રસી લેવા માટે સતત અપીલ પણ કરવામાં આવે છે. જેથી મોટી સંખ્યામાં લોકો રસી લેવા આગળ આવી રહ્યાં છે. દેશમાં ચાલી રહેલી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો 15 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.

સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીને લઈને 22 લાખથી વધારે સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. 60 વર્ષથી વધુ ઉંમરના પાંચ કરોડથી વધુ લોકોએ પ્રથમ ડોઝ અને 99 લાખ લોકોએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 45થી 60 વર્ષની ઉંમરના 5 કરોડથી વધારે લોકોએ પ્રથમ ડોઝ અને 31 લાખથી વધારે લોકોએ બીજો ડોઝ લીધો છે.

દેશમાં 24 કલાક દરમિયાન 21.93 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જેમાં 12.82 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 9.11 લાખ લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. તેમજ દરરોજ બે લાખથી વધારે લોકોને રસી આપીને કોરોનાથી સલામત રાખવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.