અમદાવાદઃ કોવીશિલ્ડ વેક્સીનની આડઅસરોને લીધે થતા મૃત્યુ અંગે એક પછી એક હકીકતો સામે આવી રહી હોવા છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકો વેક્સીન બનાવતી ખાનગી કંપનીના બચાવનામા રજૂ કરી રહ્યા છે, ત્યારે દેશના નાગરિકોના હાર્ટએટેકના કારણે થઈ રહેલા મોત અંગે સંપૂર્ણ તપાસ કરીને સરકારની ગુનાહિત બેદરકારી અંગે પગલાં ભરવા જોઈએ. સંસદમાં શૂન્ય કાળમાં આવા મૃત્યુ અંગે નોટીસ આપવા છતાં સરકારે કોઈપણ ડેટા એકત્ર કર્યો નથી. તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 2023માં એક ઈમરજન્સી ગાઈડલાઈન બહાર પાડીને કહ્યું હતું કે, વેક્સીનની આડઅસરોમાં શરીરમાં બ્લડ ક્લોટ થાય છે, જેના કારણે હાર્ટએટેક, બ્રેઈનસ્ટ્રોક, કીડની ફેઈલથી મૃત્યુ થતા હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે આ અંગે સર્વેલન્સ અને ધ્યાન રાખવું, તેના પછી પણ દેશમાં ડેટા કલેક્ટ કરવામાં આવ્યા નથી. વ્યક્તિ યુવાન હોય, હેલ્ધી હોય છતાં હાર્ટએટેક આવીને ગુજરી જાય, હરતા-ફરતાને બ્રેઈન સ્ટોક આવી જાય, કીડની ફેઈલ થવાના કિસ્સા સામે આવ્યા. સંસદમાં શૂન્ય કાળમાં આવા મૃત્યુ અંગે નોટીસ આપવા છતાં સરકારે કોઈપણ સર્વેલન્સ ન કર્યું. દેશમાં 205 કરોડ કોવીશીલ્ડના ડોઝ ખુબ પ્રેશર કરીને અપાયા અને એની ક્રેડીટ ભારતીય જનતા પાર્ટી લેતી હતી. ગુજરાતમાં 10.53 કરોડ ડોઝ અપાયા બાદ પણ બુસ્ટર ડોઝ લેવા સરકાર દબાણ કરતી હતી. આ વેક્સીન મફત ન હતી, પ્રજાની તિજોરીમાંથી કરોડો રૂપિયા આ વેક્સીન બનાવનારને અપાતા હતા. આ જનતાના રૂપિયા હતા અને છતાં પોલીટીકલ પબ્લીસીટી કરતા હતા.
તેમણે કહ્યું હતું કે, દુનિયાની બેસ્ટ લેબોરેટરી ભારત પાસે હતી, એ વેક્સીનનું પુરતું ઉત્પાદન કરી શકે તેમ હતી, છતાં ખાનગી કંપની સીરમ ઈન્સ્ટીટ્યુટને શા માટે કામ સોંપાયું ? ભાજપ સરકારે 3,000 કરોડ રૂપિયા સીરમ ઈસ્ટીટ્યુટને તથા 1,500 કરોડ રૂપિયા ભારત બાયોટેકને કોવીશીલ્ડ બનાવવા માટે એડવાન્સમાં આપ્યા. ભારતના પ્રધાનમંત્રી એ ભાજપના નહીં પરંતુ દેશના છે ત્યારે એમની પાસે અપેક્ષા છે કે, ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાતને અને દેશની જનતાને જવાબ આપે કે, (1) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું છતાં ડેટા ભેગા કેમ ન કર્યો ? (2) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝશને 2023માં તો ઈમરજન્સી ગાઈડલાઈન આપી કે TTS (લોહીની ગાંઠ) ના કિસ્સા વધી રહ્યાં છે, છતાં તે દિશામાં કામગીરી કેમ ન કરી ? આ ગુનાહિત બેદરકારી માટે સરકારનું શું કહેવુ છે ?