બાળકો માટે કોરોના વેક્સિન ‘કોવોવેક્સ’ને મંજૂરી આપવાની ભલામણ,સીરમે તૈયાર કરી છે આ રસી
- ‘કોવોવેક્સ’ને મંજૂરી આપવાની ભલામણ
- સીરમે બાળકો માટે તૈયાર કરી આ રસી
- WHO તરફથી મળી ગયું ગ્રીન સિગ્નલ
દિલ્હી:દેશમાં બાળકો માટે વધુ એક રસી ટૂંક સમયમાં મંજૂર થઈ શકે છે. સેન્ટ્રલ ડ્રગ ઓથોરિટીની નિષ્ણાત સમિતિએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા વિકસિત બાળકોની રસી કોવોવેક્સને અમુક શરતોને આધીન કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે.
સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી. સરકાર અને નિયમનકારી બાબતોના સીરમ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંઘે જણાવ્યું હતું કે, કંપનીએ ઓક્ટોબરમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) ને કટોકટીની સ્થિતિમાં કોવોવેક્સના મર્યાદિત વેચાણને મંજૂરી આપવા માટે અરજી કરી હતી.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનની કોવિડ-19 પર વિષય નિષ્ણાત સમિતિ (SEC) એ સોમવારે બીજી વખત ઈમરજન્સી ઉપયોગ પરવાનગી માટેની અરજી પર વિચાર કર્યો. વિગતવાર વિચાર-વિમર્શ પછી, SEC એ કોવોવેક્સના કટોકટીના ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ કરી છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કોવોવેક્સને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) તરફથી કટોકટીના ઉપયોગની મંજૂરી મળી ચૂકી છે. હવે ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ રસી ભારતીય બજારમાં લોન્ચ કરવામાં આવશે.