અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ત્યારે સરકારે કોરોનાના સંભવિત ત્રીજા વેવ પહેલા વધુને વધુ લોકો વેક્સિન લે તે માટેનું આયોજન કર્યું છે. સરકારે વેક્સિનેશન માટે મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ સ્પોટ પર જ રજિસ્ટ્રેશન કરીને વેક્સિન આપવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેના કારણે લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે ઉમટ્યાં હતાં. છેલ્લા બે દિવસથી સેન્ટરો પર વેક્સિનના ડોઝ ખુટી પડ્યાં છે. શનિવાર અને રવિવારની રજામાં વેક્સિન લેવા લોકો નિરાશ થઈને પરત ફર્યાં હતાં. આજે રવિવાર હોવાથી મોટી લોકો સવારથી વેક્સિન લેવા પહોંચ્યા હતા. પરંતુ વેક્સિનની અછતના કારણે અનેક લોકોએ વેક્સિન વિના પરત આવવું પડ્યું હતું.
અમદાવાદ શહેરના અલગ અલગ વેક્સિન સેન્ટર પર અલગ અલગ સમસ્યા જોવા મળી હતી. ઘાટલોડિયામાં આવેલા લક્ષ્મી પ્રાથમિક સ્કૂલના વેક્સિન સેન્ટર બંધ હતું અને બહાર બોર્ડ લગાવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે ઉપરની કચેરીની સૂચના મુજબ સ્કૂલમાં તમામ લોકો માટે વેક્સિન કામગીરી બંધ રાખવામાં આવેલી છે. અગાઉ જાહેરાત ના કરવામાં આવી હોવાનો કારણે સવારથી અનેક લોકો વેક્સિનેશન સેન્ટર પર પહોંચ્યા હતા પરંતુ બોર્ડ વાંચીને પરત ફર્યા હતા. જ્યારે શહેરના વસ્ત્રાપુરમાં આવેલા કોમ્યુનિટી હોલ ખાતે બહાર એક બોર્ડ લગાવેલ હતું જેમાં લખ્યું હતું કે કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવશે નહિ. માત્ર કોવેક્સિન જ આપવામાં આવશે. આ બોર્ડ જોયા બાદ પણ અનેક લોકો પરત ફર્યા હતા. મોટાભાગના 45 વર્ષથી વધુ વયના લોકોએ અગાઉ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી તેઓ બીજા ડોઝ માટે આવ્યા હતા અને 18 થી 44 વર્ષની વયના લોકો કોવેક્સિન લેવાનું ટાળી રહ્યા હતા.જેથી સેન્ટર પર વેક્સિન હોવા છતાં કોઈ ભીડ જોવા નહોતી મળી. શાહપુરના લાલા કાકા હોલ ખાતે સવારે 7 વાગ્યાના લોકો લાઈનમાં ઊભા હતા.પરંતુ 200 વેક્સિનનો જ સ્ટોક હોવાને કારણે 200 લોકોને ટોકન આપવામાં આવ્યા હતા. જેથી સવારના લાઈનમાં ઉભેલા અનેક લોકો નિરાશ થઈને પરત ફર્યા હતા.