અમદાવાદઃ ભારતમાં કોરોનાની રસીનું ટ્રાયલ હાલ અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. તેમજ આગામી દિવસોમાં કોરોનાની રસી આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. હાલ ગુજરાતમાં કોરોનાની રસીને લઈને સર્વે કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં સૌ પ્રથમ તબીબો, નર્સ અને હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવશે. ત્યાર બાદ બીજા તબક્કામાં 94 હજાર જેટલા પોલીસ કર્મચારી-અધિકારી તથા 50 હજાર જેટલા હોમગાર્ડ-ટીઆરબી જવાનોને રસી આપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પોલીસ અધિકારી-કર્મચારી અને હોમગાર્ડ-ટીઆરબી જવાનોનું લિસ્ટ પણ સરકારને મોકલી આપ્યું હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં પોલીસ કર્મચારીઓની કામગીરીની રાજ્યની પ્રજા અને સરકારે પણ નોંધ લીધી હતી. જો કે, અત્યાર સુધીમાં કેટલાક પોલીસ અધિકારી-કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી ચુક્યાં છે. રાજ્યમાં લગભગ ચાર હજારથી વધારે પોલીસ અધિકારી-કર્મચારી તથા હોમગાર્ડ અને ટીઆરબી જવાનો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યાં છે. જ્યારે 45 અધિકારી-કર્મચારીઓના મોત થયાં છે. તેમજ હાલમાં 350 જેટલા પોલીસ અધિકારી-કર્મચારીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. અમદાવાદ સહિત ચાર શહેરોમાં હાલ રાત્રિ કર્ફ્યુમાં પોલીસ ફરજ નિભાવી રહી છે. ત્યારે તેમને બીજા ફેઝમાં રસી આપવામાં આવે તેવી શકયતા છે. પોલીસ વિભાગ દ્વારા રસીકરણને લઈને સરકારને લિસ્ટ પણ મોકલી આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ કોરોનાની રસીને લઈને સર્વેની કામગીરી ચાલી રહી છે. તેમજ સરકાર દ્વારા રસીકરણને લઈને તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.