અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે સરકારે કમર કસી છે કોરોનાને ડામવા માટે માત્ર રસી જ રામબાણ ઈલાજ છે. જેથી સમગ્ર રાજ્યમાં મોટી સંખ્યામાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જો કે, વેક્સિનના સ્ટોકના અભાવે રસીકરણ અભિયાન હાલ 3 દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અને આવતીકાલે વેક્સિનેશને બંધ રાખવામાં આવશે. આ અગાઉ મમતા દિવસને લીધે બુધવારે પણ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું હતુ. આમ જાન્યુઆરીમાં વેક્સિનેશનનો પ્રારંભ થયા બાદથી અત્યાર સુધીમાં પહેલીવાર સતત ત્રણ દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. કોરોનાની રસીની જરૂરિયાત સામે ઓછો જથ્થો આવતો હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળે છે.
અઠવાડિયા અગાઉ દૈનિક ચાર લાખ ડોઝ પ્રમાણે 28 લાખ કરતા વધુ ડોઝ ગુજરાતને મળ્યા હતા. ત્યાર બાદ 15થી 17 લાખ જેટલા ડોઝ મળતા હતા. પરંતુ જરૂરિયાતની સામે ડોઝ ઓછા હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં કોરોનાના ડોઝનો વધારો કર્યો છે. બીજી તરફ કોરોનાની બીજી લહેર બાદ મોટી સંખ્યામાં લોકો કોરોનાની રસી લેવા કેન્દ્રો ઉપર જતા હોવાથી દરરોજ અઢીલાખ જેટલા લોકોને કોરોનાની રસી આપવામાં આવે છે. જેથી સ્ટોરનો અભાવ સર્જાયો હોવાનું જાણવા મળે છે.
કોરોના સેન્ટરમાં કોરોનાની રસી નહીં મળતી હોવાથી લોકોની મુશ્કેલીઓ વધી છે. લોકો સવારથી રસી કેન્દ્ર પહોંચી ગયા હતા. જો કે, રસીકરણ બંધ હોવાનું માલુમ પડતા નિરાશ થયા હતા. અગાઉ રસી મેળવવા ઓનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી હતુ. તેથી રસી માટે આવનારની સંખ્યા પણ ઓછી રહેતી હતી. તેથી રસીનો સ્ટોક પડ્યો પણ રહેતો હતો. ઓનલાઈન રજિસ્ટ્રેશન મરજીયાત કરાતા મોટી સંખ્યામાં નાગરિકો રસીકરણ કેન્દ્રો ઉપર પહોંચે છે.