ભિક્ષુક ગુહો, વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાંણ સંસ્થાઓમાં રહેતા લોકોને અપાશે કોરોના રસી
અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 60 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની ઉંમરના યુવાનોને હાલ કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે હવે આ રસીકરણ ઝુંબેશમાં વિવિધ ભિક્ષુક ગુહો, વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા લોકોને પણ સામેલ કરવામાં આવશે. તેમણે પુરાવા વગર કોરોનાની રસી આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં હાલ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. રાજ્યભરમાં 2500થી વધારે હોસ્પિટલ અને સેન્ટર ઉપર 60 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝન અને વિવિધ બીમારીથી પીડિતા 45 વર્ષથી વધુની વયના યુવાનોને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 30 લાખથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. રાજ્યમાં રસીકરણ અભિયાન તેજ બનાવવાનું છે અને સરેરાશ બે લાખ લોકોને એક દિવસમાં રસી આપવામાં આવી રહી છે.
દરમિયાન ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોરબીડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ થશે. આ રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસી કરવામાં આવશે. તેમજ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો નિર્ણય કરાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રસીકરણ અભિયાનમાં અનેક મહાનુભાવોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો છે. તેમજ રાજ્યની જનતાને પણ રસી લેવા માટે અપીલ કરી હતી.