દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સામાન્ય નાગરિકની જેમ કોરોનાની રસી લઈને રસીકરણના ત્રીજા તબક્કાનો આરંભ કરાવ્યો હતો. હવે ભાજપના 60 વર્ષથી વધુની ઉંમરના ધારાસભ્યો અને સાંસદો પણ કોરોનાની રસી લેશે. જો કે, સરકારી હોસ્પિટલોમાં વધારેમાં વધારે જરૂરીયાતમંદ લોકો વિનામૂલ્યે રસીકરણનો લાભ લઈ શકે તે આ જનપ્રતિનિધિઓ નાણા ચુકવીને કોરોનાની રસી લેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજથી દેશમાં ત્રીજા તબક્કાના રસીકરણનો આરંભ થયો છે. 60 વર્ષથી વધુની ઉંમરના લોકો તથા વિવિધ બીમારીથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરના લોકો સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસી લઈ શકે છે. મોદી સરકારના મોટા ભાગના મંત્રીઓ પોતાના સંસદીય ક્ષેત્રમાં જ રસી લેશે. આ ઉપરાંત ભાજપના સાંસદો અને ધારાસભ્યોએ પણ પોતાના ક્ષેત્રમાં રસી લેશે. પાર્ટીએ જનપ્રતિનિધિઓને પૈસા ચુકવીને વેક્સિન લેવા તાકીદ કરી છે જેથી સરકારી હોસ્પિટલમાં જરૂરિયાત ધરાવતા લોકો ફ્રી વેક્સિનનો લાભ લઈ શકે.
કેન્દ્રીય મંત્રીઓ, રાજયના મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો તથા કેન્દ્ર તથા રાજય સરકારના ઉચ્ચ અધીકારીઓ ઉપરાંત બોર્ડ નીગમના ચેરમેન સહીતના તમામ લોકો પેઇડ વેકસીનેશનને જ અપનાવશે. તેવી કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણી તથા કેટલાક રાજકીય આગેવાનોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હોવાનું જાણવા મળે છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ વરિષ્ઠ નાગરિકોને રસી લેવા માટે અપીલ કરી છે.